હમણાં છાપામાં વાંચ્યું કે રતિલાલ નાયકે નવો ગુજરાતી કહેવત કોશ બહાર પાડ્યો છે તો મને પણ નજીકમાં જ ક્યાંક વર્ષોથી ચાલી રહેલા આવા એક સંગ્રહ તપને આપના સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ ગઈ…
વાત છે મારા મમ્મી-પપ્પાની… મારા નાની વાત-વાતમાં કહેવતો ટાંકતાં… અઘરામાં અઘરી વાત પણ કહેવત ટાંકીને શીરાની જેમ ગળે ઉતારી દેતાં… (અને હા, પાછી દરેક કહેવત પાછળ એ કહેવત કેવી રીતે પડી તેની વાર્તા તો ખરી જ!!) મારા નાની ના અવસાન પછી એકવાર અમસ્તાં જ મેં મમ્મીને કહેલું કે “આ બધી, આવી બધી કહેવતો બે-ત્રણ પેઢી પછી તો સાવ લુપ્ત જ થઈ જશે…” અને બસ, એ દિવસથી આ સંગ્રહ તપ આરંભેલું મારા માતા-પિતાએ…
કેટલાંક પાનાંઓ અને પછી કેટલીક ડાયરીઓ સુધી પહોંચેલી આ કહેવત યાત્રા ભલે કદાચ પુસ્તકના ફોર્મમાં ન ઢળે પણ એમના આ અવિરત રીતે ચાલી રહેલા યજ્ઞને કેટલાંક ભાષા-પ્રેમીઓ સુધી પહોંચાડવા જેટલું તો હું કરી જ શકું…
તો આ રહી કેટલીક રસપ્રદ ગુજરાતી કહેવતો…. (જે કદાચ હવે બહુ ઓછી સાંભળવા મળે છે…)
1) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
2) ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ મોકળ…
3) દુખતે ઠેસ ને નબળે વેઠ
4) હાથની આળસે મૂછો મોઢામાં જાય…
5) વાડ વિના વેલો ન ચડે…
6) વાડ જ ચિભડાં ગળે (તો…)
7) ઠામ જાય ને ઠીકરું આવે…
8 ) કીડી કોશનો ડામ ખમે?
9) મુઆ સાટે જીવતું લેવું…
10) પેટમાં પાશેર પાણી નહિ ને નામ દરિયાવખાં…
11) ખાવા ખીચડી નહિ ને નામ ફતેહખાં…
12) ધરમની ગાયના દાંત ન જોવાય…
13) છાણિયા દેવને ખાંસડાની પૂજા…
14) આંધળો ઓકે ને દસને રોકે…
15) લૂલીને ઝાલો ત્યારે લૂલી વાસીદું વાળે…
16) માથે મોત ને આવળ શું ચાવવી?
17) છાશ લેવા જવું ને દોણી સંતાડવી…
18) નબળી ગાયને બગાઈઓ ઘણી…
19) ગાંડા થઈને છૂટે ને ગામને ગાળો કૂટે…
20) મોં ખાય ને આંખ લજાય…
21) તમાશાને તેડું ન હોય…
22) ભેંસ, ભામણ (બ્રાહ્મણ) ને ભાજી, ત્રણે પાણીથી રાજી…
23) સુથારનો જીવ બાવળીયે…
24) નબળો ધણી બૈરા પર શૂરો
25) બળિયાના બે ભાગ
મજા આવી ને? વધુ આવતા અંકે…
(અને હા, આપ સૌને આ લીસ્ટમાં વધારો (કે સુધારો પણ) કરવા માટે આગ્રહભર્યું આમંત્રણ છે હોં…)