પ્રિય તને…

પ્રણયપત્રો… વિસરાઇ રહેલું (કે ગયેલું) પ્રેમની અભિવ્યક્તિનું એક માધ્યમ… હૈયું ઠાલવતાં-ઠાલવતાં અટકવાનું મન ન થાય અને કાગળ પર લાગણી નિતરતાં શબ્દો અવિરત વહેતાં જાય અને લાં…..બા પ્રેમપત્રો લખાતાં જાય એ ઘટના તો હવે ઇતિહાસ થઇ ગઇ છે… SMS અને Abbreviations ના જમાનામાં ‘થોડામાં ઘણું’ કહેવાની mentality ધરાવતાં આજના પ્રેમીજનો માટે sheer waste of time નો ખિતાબ પામી ચૂકેલાં આ પ્રણયપત્રોનું સ્થાન ક્યાંક તો – કોઇક તો તમારા – મારા જેવા સહ્રદયીઓના હ્રદયમાં અકબંધ છે જ…!!

હું માનું છું ત્યાં સુધી પ્રણયપત્રો લખવાને કોઇ કારણ, કોઇ ઉંમર, કોઇ સમય, કોઇ પ્રકારના બંધનો નડતાં નથી… અને નથી હું પ્રણયપત્રોને કોઇ વ્યાખ્યામાં બાંધતી – પરદેશ ગયેલાં દીકરાએ પોતાની માંને લખેલો કાગળ હોય કે સાસરે ગયેલી દીકરીએ પોતાના પિતાને લખેલી ચીઠ્ઠી કે પછી કોઇ શ્રધ્ધાળુએ ઇશ્વરને લખેલી અરજ હોય… લાગણી અને પ્રેમથી છલકાતાં એવાં તમામ પત્રોનું સરનામું એટલે  ‘પ્રિય તને’ !

તો ચાલો… ઠાલવીએ હૈયું પત્રોમાં – પ્રિયજનને સંબોધીને….

…………………………………….. <> <> <> ……………………………………..

સંબોધન…

પ્રિય…
બીજું શું સંબોધું હું તને? જો કે પ્રણયપત્રોમાં ઘણું-ખરું innovations ને સ્થાન હોય છે, સંબોધનથી લિખિતંગ સુધી…  એટલે હું તને કોઈપણ સંબોધન કરી શકું – કોઈ પણ નામ આપી શકું (કોઈ કવિએ કહ્યું છે તેમ “મને ગમતા કોઈ પણ ફૂલનું નામ…”) પણ તને પત્ર લખવા માટે મારે મન તારું “પ્રિય” હોવું પર્યાપ્ત છે…

આગળ શું લખું ?

શું મને તારી સાથે વાતો કરવા શબ્દો ન મળે તે ક્ષમ્ય છે? … આ સંદર્ભમાં કાં તો મારો સવાલ ખોટો ઠરશે કાં તારો જવાબ…

મૂંઝવી નાંખુ છું નહિ હું?

પણ તું ગૂંચવી નાંખે છે એનું શું?

કોઈ આકૃતિ વિનાના અસ્તિત્વને ઝૂરવું એટલે શું એની ખબર છે તને?

હું વધુ સમય અશબ્દ રહેત તો નિઃશબ્દ થઈ જાત કદાચ…

તને આટલો અહેસાસ કરાવા પૂરતું આ લખ્યું… પૂરતું છે?

જો કે આ પ્રશ્નોની પરંપરા પૂરી થાય પછી ઉત્તરોની વણઝારનો મને ઈંતેજાર નથી… કેટલાંક પ્રશ્નો ફક્ત મનના સમાધાન માટે પણ પૂછાતા હોય છે…

દા.ત “તું ક્યારે આવશે…?????”

…………………………………….. <> <> <> ……………………………………..

માવઠું…

પ્રિય…

જત જણાવવાનું કે આજે અહીં માવઠું થયું…!!!

તને થશે કે કેટલાં not so exciting ન્યૂઝ છે, નહિ? પણ તને ખબર છે મને માવઠું બહુ ગમે… અને તેથીય વધુ ગમે માવઠા પછીનો ઉઘાડ…  કેટલો સાલસ… કેટલો નિખાલસ… કદાચ એટલે કે માવઠાને ક્યાં ચોમાસાના ચાર મહિના ઈન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવાની ચિંતા હોય છે…? તેને તો બસ વરસી પડવાનું હોય છે… મન થાય ત્યારે… મન થાય તેટલું…

હેં, તારું વ્યક્તિત્વ મેઘધનુષી ચોમાસા જેવું હશે કે મૂશળધાર માવઠાં જેવું?

 

…………………………………….. <> <> <> ……………………………………..

ધાર કે….

 

ધાર કે કો’ક દિવસ આમ જ અચાનક

હું આવીને પૂછું તને

તું કેટલું ચાહે છે મને?

 

તને સૂઝે જવાબ આમ સાવ જ અચાનક?

કે શબ્દ સાથે થોડો ઝઝૂમે?

કે પછી મૌન તારું મોઘમ એ કાયમ રાખીને

બસ માથાને મારાં તું ચૂમે?

 

ધાર કે કો’ક દિવસ સંધ્યાને ટાણે

હું સૂનમૂન થઈ જાઉં આમ જ અજાણે…

તો સંધ્યાના રંગોમાં મારી ઉદાસીને

એકલવાયી એ મારી વ્હાલી અગાસીને

સ્પર્શી શકે તું ખરો?

દિલાસાઓ વાગે, ખુલાસાઓ ડંખે

અંતરનો કોઈ ખૂણો એકલતા ઝંખે

જ્યારે લાગણીના શબ્દો ય કોરાં પડે

ત્યારે મૌનભર્યાં માવઠાંના ફોરાં પડે

એમ વરસી શકે તું ખરો?

 

ધાર કે કો’ક દિવસ આમ જ અચાનક

હું આવીને પૂછું તને

તું કેટલું ચાહે છે મને?

 

…………………………………….. <> <> <> ……………………………………..

નવું વર્ષ

આજે 31st December છે… 2008નો છેલ્લો દિવસ… કાલથી નવું વર્ષ… 2009!! ચાલ આજે એક resolution કરીએ… નવા વર્ષ માટેનો એક નિર્ણય… એક-બીજાની સ્વતંત્રતાનો સ્વીકાર કરવાનો… એક-બીજાને બનતી મોકળાશ આપવાનો… 

હું માનું છું કે પ્રત્યેક વ્યક્તિને પોતાનું એક અંગત વિશ્વ હોય છે… એટલું અંગત કે કદાચ તેના પ્રિયજનનો પણ તેમાં અનધિકૃત પ્રવેશ ન થવો જોઈએ… ‘અનધિકૃત’??!!! તને કદાચ આપણાં સંબંધના સંદર્ભમાં આ શબ્દ આઘાતજનક લાગશે… પણ હા, કેટલાંક ક્ષેત્રોમાં તારો પ્રવેશ પણ અનધિકૃત હોઈ શકે… હા, મારા અસ્તિત્વ પર તારું એકચક્રી આધિપત્ય ખરું પણ મને મારા વિશ્વનો એક એવો ખૂણો જોઈએ છે જે ફક્ત મારો હોય… જેમાં મારા અનઅભિવ્યક્ત વિચારો, મારી અવ્યક્ત  અનુભૂતિઓ અને મારા અંગત લાગણીઓને જ સ્થાન હોય…   તને લાગશે કે આજે મારા શબ્દોમાં ‘હું’, ‘મને’, ‘મારું’ – એવી મમત કેમ છે? પણ please આજે થોડીવાર મારા સ્થાને આવીને મને સમજવાનો પ્રયત્ન કરજે. 

તને ખબર છે, આજે પહેલીવાર મને પણ લાગ્યું છે કે મારે તને પણ થોડી મોકળાશ આપવી જોઈએ. મને ખબર છે કે હું ખૂબ જ possessive છું… અને અતિશય લાગણીશીલ પણ… અને એટલે જ કદાચ મને આજે ભય લાગે છે કે મારા પ્રેમની પકડમાં તને ક્યાંક ગૂંગળામણ તો નહિ થતી હોય ને?  મને ખબર છે મારો ભય અસ્થાને છે પણ છતાંય આજથી હું તો resolution લઈ રહી છું કે તારા કોઈપણ અંગત ખૂણામાં હું ક્યારેય અનધિકૃત પ્રવેશ નહિ કરું…

by the way, HAPPY NEW YEAR!!

…………………………………….. <> <> <> ……………………………………..

 Hi!!

Hi!! નવા વર્ષમાં આપણે એકાએક જ busy થઈ ગયાં હોઈએ એવું લાગે છે… ઘણાં સમયથી કંઈ વાત નહિ – કોઈ કાગળ નહિ… બસ, એટલે જ આજે થયું કે થોડા અક્ષરો – થોડાં શબ્દો તારા નામે કરું…  તને ખાલી ‘Hi’ કહું તો ય આખો કાગળ લખ્યો હોય એવું લાગે છે… મને બસ એમ જ લાગે છે કે જાણે હું જે મનઃસ્થિતિમાં તને આ લખી રહી છું એ તને આપોઆપ જ સમજાઈ જશે… મારા અક્ષરોના વળાંકો તને મારા મનના વમળોનો અંદાજ આપી દેશે… કલમ પર કેટલો ભાર દઈને લખ્યું છે તે જોઈને તો તું સમજી નહિ જાય કે મન પર કેટલો ભાર છે????? પછી મારે કંઈ લખવાની જરૂર ખરી?

એક શેર યાદ આવ્યો… ઈર્શાદ તો બોલ અરસિક માણસ… any way, ચલ સંભળાવી જ દઉં…

“કોરો ભલે ને આવે, કાગળ મને ગમે છે

કો’ હાથથી પડ્યા હો, એ સળ મને ગમે છે!!”

આળસુ, એક કોરો કાગળ તો મોકલ….

…………………………………….. <> <> <> ……………………………………..

તને ખબર છે ?

તને ખબર છે મેં હમણાં ક્યાંક વાંચ્યું કે માણસ જો સામેના માણસના મનની વાત જાણી શકતો હોત તો આ દુનિયામાં કોઈ કોઈનું મિત્ર ન હોત… વાંચીને મને પ્રશ્ન થયો કે શું આ દુનિયામાં આપણે  ‘એક’ એવો સંબંધ ન બાંધી શકીએ જેમાં આપણે 100% પ્રામાણિક રહી શકીએ? અને પછી જાતે જ જવાબ આપી દીધો કે કદાચ ‘ના’… સાચ્ચું બોલ, તું ક્યારેય તારા મનની પૂરે-પૂરી વાત રજૂ કરી શકે છે? હું તો નથી કરી શકતી… તને નહી ગમે કે તને ગુસ્સો આવશે એવું વિચારીને કંઈ કેટલુંય બસ મનમાં રાખી લઉં છું… ક્યારેક તારી કોઈ વાતમાં કચવાતા મને agree થઉં છું… અલબત્ત, તારું મન રાખવાસ્તો… પણ છતાં ય સંબંધોમાં પારદર્શિતા તો ખૂટી જ ને? આનો કોઈ ઈલાજ ખરો? તારી પાસે ખરો કોઈ એવો ઉપાય કે કાલે સવારે જો આપણે બન્ને એક-બીજાના મનની પૂરે-પૂરી વાત જાણી શકીએ તો પણ ક્યારેક કેટલાંક સુખદ આશ્ચર્યો સિવાય બીજો કોઈ ઝટકો આપણને ન લાગે?

…………………………………….. <> <> <> ……………………………………..

Happy Valentine’s Day!!

Sorry dear, તને Valentine’s Day પર કંઈ લખી ન શકી… લખત પણ ક્યાંથી, એ દિવસે તો આપણે સાથે હતાં…!! કેવું છે ને માણસનું મન!  હંમેશા કંઈક એવું કે  “અબ તક મિલે ન થે તો જુદાઈ કા થા મલાલ, અબ યે મલાલ હૈ કિ તમન્ના નિકલ ગઈ!”

વેલેન્ટાઈન ડે પર તારી આપેલી ગીફ્ટ મને ખૂબ ગમી. શ્રી રઈસ મણિયારનું મરીઝના જીવનને વર્ણવતું એ પુસ્તક મારા માટે એ દિવસની સૌથી અમૂલ્ય ભેટ હતી. હું મરીઝ સાહેબની કેટલી મોટી ફેન છું એ હકીકતથી તું આટલી સારી રીતે વાકેફ છે એ જાણીને ખૂબ સંતોષ થયો. આપણી નાની-નાની પસંદ-નાપસંદ કોઈ ધ્યાનમાં રાખે ત્યારે ખુદ જ ખૂબ precious  હોવાનો અહેસાસ થાય છે.

વેલેન્ટાઈન ડેની ઉજવણી વિશે આપણા દેશમાં ઘણાં મતો પ્રવર્તે છે. દર વર્ષે આ દિવસને લઈને કેટલાંય વાદ-વિવાદ સર્જાય છે… ભારતીય સંસ્કૃતિના કેટલાંક કહેવાતાં હિમાયતીઓ  સંસ્કૃતિની રક્ષા કરવાના નામે મરજી મુજબનું વર્તન કરે છે… તેઓ પ્રેમીજનોનો અને પ્રેમીજનો તેઓનો  મનભરીને વિરોધ કરે છે… અને આમ જ પ્રેમની અભિવ્યક્તિનો આ દિવસ નફરતની નિશામાં પરિણમે છે…

વેલેન્ટાઈન ડે વિશે ભલે ગમે તેટલાં મત પ્રવર્તે   પણ મને લાગે છે ત્યાં સુધી જો આ દિવસ બસ પ્રેમની અભિવ્યક્તિનો હોય તો આ દિવસનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી… હા, હું સ્વીકારું છું કે આજનું youth આ દિવસનું અર્થઘટન કંઈક અંશે ખોટું કરે છે પણ તેનો અર્થ એ નથી કે આ દિવસને અને તેના આખા conceptને ધિક્કારવામાં આવે…

એક દલીલ એવી છે કે સાચો પ્રેમ કંઈ આવા ડેઝની ઉજવણીનો મહોતાજ નથી… ચાલો માન્યું… તો પછી મારે એ લોકોને પૂછવું છે કે તમે છેલ્લે ક્યારે તમારી પત્ની કે માં કે મિત્રને કહ્યું હતું કે “મારા જીવનમાં તારું અપાર મહત્વ છે” કે “હું તને પ્રેમ કરું છું” ? છેલ્લે ક્યારે તમે એને બસ આમ જ એકાદ ગીફ્ટ આપી હતી? મને ખાતરી છે કે એમાંથી કોઈને આવો એકપણ પ્રસંગ યાદ નહિ આવે…

જીવન જેવી અમૂલ્ય ભેટ ઈશ્વર તરફથી મેળવ્યાં પછી પણ જો આપણે આપણાં અસ્તિત્વનો ઉત્સવ બરાબર નથી ઉજવી શકતાં તો પછી આવા યાંત્રિક જીવનમાં સમય કાઢીને પ્રણયોત્સવ ઉજવવાનો તો પ્રશ્ન ક્યાં છે… અને એટલે જ વર્ષમાં આવો એકાદ દિવસ હોવો જોઈએ કે જ્યારે તમે તમારા પ્રિયજનને એ અહેસાસ કરાવી શકો કે એના વગર આપનું જીવન અધૂરું છે…

શું કહે છે મારા પ્રિયજન?

 

…………………………………….. <> <> <> ……………………………………..

એ જ લખવાનું તને!!

“એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને… આંખમાં કંઈક અવતર્યું છે એ જ લખવાનું તને… એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં, પુષ્પનું પડ કોતર્યું છે એ જ  લખવાનું તને… “

કોઈએ ખરેખર બહુ સુંદર લખ્યું છે… પણ મારે તો બસ એ જ નથી લખવાનું તને… મારે તો તને લખવી છે એ એક-એક વાત જે હું તને ન કહી શકી અને જેને ડાયરીઓના પાનાઓમાં જડવી પડી… એ એક-એક સ્મિત જે હું તારી સાથે ન વહેંચી શકી અને એટલે જ એની અધૂરપ મને ડંખતી રહી… મારે તને લખવો છે તારો એ અભાવ જે મને કોરતો  રહ્યો સતત… તને લખવી છે મારી એ એક-એક અછતી લાગણી જે તારી વ્યસ્તતાની વેદી પર…

જવા દે… આ પ્રણયપત્ર તો FIR  થઈ ગયો… હું કંઈ ફરિયાદ લખાવવા નથી બેઠી… આ તો ઘણાં દિવસે તને કંઈક લખી રહી છું એટલે જરા ઉભરો ઠાલવ્યો… પણ તને ખબર છે આ અભાવ, આ ઝૂરાપો કોઈપણ સંબંધને નવપલ્લવિત કરે છે… નહિતર તો એવું થાય કે ” જ્યાં ઉભરાયાં હોઈએ ત્યાં ન ખૂટીએ તો સારું… વળી ક્યારેક એમ પણ થાય કે હવે છૂટીએ તો સારું”… 

ઓય, ક્યાંક તને તો એવું નથી થતું ને?

…………………………………….. <> <> <> ……………………………………..

મોકલ…!!

વચન નહિ, કોઈ સમય નહિ, એક ઠાલી અટકળ મોકલ

મને રહે બસ સતત પ્રતીક્ષા જેની એ પળ મોકલ…

 

કવન નહિ, કોઈ ગઝલ નહિ,  તું સૂરોની સાંકળ મોકલ

શબ્દોનો ચલ છેડ ઉડાડી કોરો કાગળ મોકલ…

 

પીયૂષ નહિ, કોઈ અમલ નહિ, ખારું પણ જળ મોકલ

ભવ-ભવની આ તરસ છીપાવા અંતે મૃગજળ મોકલ…

 

 …………………………………….. <> <> <> ……………………………………..

……………..

તને ખબર છે, તારા અને મારા વચ્ચે એક મૂળભૂત તફાવત છે… એક પાયાનો તફાવત…  એ તફાવત એ કે તારા માટે સંબંધો એ ગણિત છે અને મારા માટે… મેં તો કદાચ સંબંધોને એવી કોઈ ફ્રેમ જ નથી આપી… મારા પ્રિય લેખક ગુણવંત શાહના શબ્દોમાં કહું તો તું દરેક સંબંધમાં દ્રવ્યતા (મટિરિયાલિટી) જ જુએ છે અને એટલે જ કદાચ તને અદ્વવ્યતા (નોન-મટિરિયાલિટી) સાથે જોડાયેલ માનવીય લાગણીઓ પર વિશ્વાસ નથી રહ્યો… અરે તને તો આવી લાગણીઓના અસ્તિત્વ વિશે પણ શંકા છે… પણ એક વાત કહું? જિંદગીમાં બે-ચાર કડવાં અનુભવો તો બધાંને થતાં હોય છે પણ એના કારણે કંઈ તમામ સંબંધોમાંથી શ્રદ્ધા ઊઠી જવી એ ક્યાંનો ન્યાય છે?  તું જ્યારે કોઈના કોઈપણ કાર્ય પાછળ તેનો સ્વાર્થ શોધવામાં લાગી જાય છે ત્યારે મારું મન અંદરથી ચિરાઈ જાય છે…  જેને પીળીયો થયો હોય તેને આખી દુનિયા પીળી જ દેખાય… મારા મેઘ-ધનુષમાં તો હજી ગુલાબી રંગના shades  છે હોં… પણ તારી પાસે તો તારું મેઘ-ધનુષ જ નથી…

પણ જો કે વાંક તારો પણ નથી… તને મળ્યાં છે જ એવા સંબંધો… સઘળાં સ્વાર્થના સંબંધો… એટલે તારું જિંદગી પ્રત્યેનું વલણ આવું થઈ જાય તે સ્વાભાવિક છે… પણ જીવનમાં એવાય સંબંધો હોય છે કે નિઃસ્વાર્થ લાગણી અને પ્રેમ આપી શકે છે… વિશ્વાસ રાખ… ફરી એકવાર શબ્દસઃ શ્રી ગુણવંત શાહ ને quote કરું તો “દ્રવ્ય (મેટર)ની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. એનાથી ભૂખ મટે તો ય તૃપ્તિ ન થાય. એ સુખ આપે તોય સંતોષ ન થાય. એ બધું આપે તોય કશુંક રહી જાય. માણસ રોટલો ખાય તો જ જીવી શકે, પરંતુ માત્ર રોટલો ખાઈને એને પરિતૃપ્તિ નથી થતી. એ રોટલો પીરસનારી માતા, પત્ની, બહેન કે પ્રિયતમાનું સ્મિત પણ ઝંખે છે. દ્રવ્યતા મૂળે ખરાબ ચીજ નથી. પૈસા દ્વારા મળતું સુખ પ્રાપ્ત કર્યા પછી માણસે એવા સુખ માટે મથવું જોઈએ, જે પૈસો કદી ન આપી શકે. એવા સુખની શોધ એટલે જ અપ્રદૂષિત પ્રેમસંબંધની શોધ. પ્રેમ સ્વભાવે જ અદ્રવ્ય (નોન-મેટર) છે. પ્રત્યેક માણસ અંદરથી એક એવો સંબંધ ઝંખે છે, જે ગણતરીથી કે મુત્સદ્દીગીરીથી કે લુચ્ચાઈથી પર હોય. એ સંબંધ એવો હોય કે જેમાં ગુમાવવાના આનંદની ભાળ મળે.”

સંબંધોમાં વિશ્વાસ રાખ… વ્યક્તિઓમાં વિશ્વાસ રાખ…

 …………………………………….. <> <> <> ……………………………………..

સગપણ

વાક્ય અટક્યું, ‘તો’ લખું કે  ‘પણ’  લખું?

આપણી વચ્ચે કયું સગપણ લખું?

 

આ ઝૂરાપો, ‘કણ’ લખું કે ‘મણ’ લખું

આંસુઓનું આંખથી વળગણ લખું?

 

એક ઘટના કે ખરી પાંપણ લખું

શું માંગ્યું મેં થઈ માગણ લખું ?

 

વિસ્તર્યા છે યાદ કેરાં રણ લખું

ઉમટ્યાં છે વેદનાના ધણ લખું?

Advertisements
Published on November 11, 2008 at 11:05 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af-%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. બોલું છું

  પ્રસંગોપાત બોલું છું,
  હું ખુલ્લી વાત બોલું છું.

  નથી ડર કોઇનો મુજ ને,
  વિના જઝબાત બોલું છું.

  સમય ના સાજ ને છેડી
  સૂરોમાં સાત બોલું છું.

  તમે શું વાર કરવાના!
  તમારી ઘાત બોલું છું.

  ગઝલમાં સામટો પ્રગટું;
  જલાવી જાત બોલુ છું.

  ———–ડૉ.ફિરદૌસ દેખૈયા

 2. પ્રિયજન સુધી પહોંચવાના અનેક રસ્તાઓમાંનો એક ખૂબસુરત રસ્તો. જ્યારે પ્રિયજન સુધી પહોંચી નથી શકાતું, જ્યારે પ્રિયજનને આપણાં અસ્તિત્વનો અહેસાસ નથી કરાવી શકાતો ત્યારે આ શબ્દો જાણે આપણો આકાર ધારણ કરે છે અને અને પ્રિયજનને સ્પર્શ્યાની અનુભૂતિ કરાવે છે.
  કવિ શ્રી મનોજ ખંડેરિયાએ આવું જ કંઈક લખ્યું છે ને????
  હું સદભાગી કે શબ્દો મળ્યા તારે નગર જવા,
  ચરણો ખોડવા બેસુ તો વરસોના વરસ લાગે

 3. વાહ .. ખુબ સુંદર .. હજી આજે જ અહિં આવ્યો … મજાનો બ્લોગ … બ્લોગજગતમાં સ્વાગત …

 4. ગઝલમાં સામટો પ્રગટું;
  જલાવી જાત બોલુ છું.

  welcome to Gujarati blog.. keep it up.
  good luck

 5. Dhaar Ke…

  Great one dear… LD Yaad aavi gyu…

  Keep it up…. speak to you soon..

 6. આપે તો ઘણા જ સારા પત્રો નો અહિં સમાવેશ કર્યો છે.

  અતિ સુંદર કાર્ય છે.

  દિવ્યેશ પટેલ

  http;//www.krutarth.co.cc

  http://www.divyesh.co.cc

 7. પ્રિયજનને પત્રમાં હૈયું ઠાલવવાની વાત નીકળી એટલે સહજ યાદ આવ્યું …

  જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
  એક ક્ષણ તું હોય છે, એક ક્ષણ તારું સ્મરણ ..

 8. તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.
  બસ આમ જ લખતા રહો…..

  હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
  આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

  મારો નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
  હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: