શુભ દીવાળી

Advertisements
Published in: on October 27, 2008 at 8:28 am  Comments (1)  

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

દોડતા જઇને મારી રોજની બાંકડીએ બેસવું છે

રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્ર્ગીત ગાવું છે

નવી નોટની સુગંધ લેતા પહેલાં પાને

સુંદર અક્ષરે મારું નામ લખવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

રિસેસ પડતાં જ વોટરબેગ ફેંકી

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે

જેમ-તેમ લંચબોક્સ પૂરું કરી

મરચું – મીઠું ભભરાવેલ આમલી – બોર – જમરૂખ – કાકડી બધું ખાવું છે

સાઇકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે

કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય

એવા વિચારો કરતાં રાતે સૂઇ જવું છે

અનપેક્ષિત રજાના આનંદ માટે

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં

મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને

સાઇકલની રેસ લગાવતાં ઘેર જવું છે

રમત-ગમતના પિરિયડમાં તારની વાડમાંના

બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે

તે ભાગી જવાની મોજ અનુભવવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

દિવાળીના વેકેશનની રાહ જોતાં

છ-માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે

દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે

રાતે ઝાઝા બધાં ફટાકડા ફોડ્યા પછી

તેમાંથી ન ફૂટેલાં ફટાકડા શોધતાં ફરવું છે

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતાં

પીઠ પર દફ્તરનો બોજ વેંઢારવો છે

ગમે તેવી ગરમીમાં એરકંડીશન્ડ ઓફિસ કરતાં

પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે

કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતાં

બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે

બચપણ પ્રભુની દેણ છે – તુકારામના એ અભંગનો અર્થ

હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે

એ બરાબર છે કે નહીં તે સરને પૂછવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

 

(ક્યાંક વાંચેલી અને હ્ર્દયમાં વસી ગયેલી રચના)

Published in: on October 22, 2008 at 12:04 pm  Comments (2)  

શબ્દો ગૂંગળાય છે…

“એ સૌથી વધુ ઊચ્ચ તબક્કો છે મિલનનો

કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે”

… અને એ સૌથી વધુ પીડાદાયક તબક્કો છે જીવનનો જ્યારે કહેવાનું ઘણું હોય ને કશું કહી ન શકાય… જ્યારે માણસની અંદર શબ્દો ગૂંગળાય… જ્યારે માણસ વ્યક્ત ન થઇ શકે – અભિવ્યક્ત ન થઇ શકે…

ક્યારેક કોઇનાથી દબાઇને તો ક્યારેક કશાથી સંકોચાઇને… ક્યારેક શરમમાં તો ક્યારેક ધરમમાં… ક્યારેક કોઇ કકળાટને ટાળવા તો ક્યારેક કોઇ સંબંધને સાચવવા – માણસ બસ મૌન રહી જાય છે… અને એની અંદર એના શબ્દો, એની લાગણીઓ, એનો ગુસ્સો, એના પ્રતિભાવો બધું જ ધરબાઇને રહી જાય છે… આવા ધરબાયેલા શબ્દોના જ્વાળામુખી પર બેઠેલો માણસ અંદર-અંદર ધૂંધવાયા સિવાય કશું જ કરી શકતો નથી.

પણ ક્યારેક જો આ જ્વાળામુખી ફાટે તો… ???

Published in: on October 13, 2008 at 12:41 pm  Comments (8)