આપણી કહેવતો…

હમણાં છાપામાં વાંચ્યું કે રતિલાલ નાયકે નવો ગુજરાતી કહેવત કોશ બહાર પાડ્યો છે તો મને પણ નજીકમાં જ ક્યાંક વર્ષોથી ચાલી રહેલા આવા એક સંગ્રહ તપને આપના સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ ગઈ…

વાત છે મારા મમ્મી-પપ્પાની… મારા નાની વાત-વાતમાં કહેવતો ટાંકતાં… અઘરામાં અઘરી વાત પણ કહેવત ટાંકીને શીરાની જેમ ગળે ઉતારી દેતાં… (અને હા, પાછી દરેક કહેવત પાછળ એ કહેવત કેવી રીતે પડી તેની વાર્તા તો ખરી જ!!) મારા નાની ના અવસાન પછી એકવાર અમસ્તાં જ મેં મમ્મીને કહેલું કે “આ બધી, આવી બધી કહેવતો બે-ત્રણ પેઢી પછી તો સાવ લુપ્ત જ થઈ જશે…” અને બસ, એ દિવસથી આ સંગ્રહ તપ આરંભેલું મારા માતા-પિતાએ…

કેટલાંક પાનાંઓ અને પછી કેટલીક ડાયરીઓ સુધી પહોંચેલી આ કહેવત યાત્રા ભલે કદાચ પુસ્તકના ફોર્મમાં ન ઢળે પણ એમના આ અવિરત રીતે ચાલી રહેલા યજ્ઞને કેટલાંક ભાષા-પ્રેમીઓ સુધી પહોંચાડવા જેટલું તો હું કરી જ શકું…

તો આ રહી કેટલીક રસપ્રદ ગુજરાતી કહેવતો…. (જે કદાચ હવે બહુ ઓછી સાંભળવા મળે છે…)

1) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા

2) ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ મોકળ…

3) દુખતે ઠેસ ને નબળે વેઠ

4) હાથની આળસે મૂછો મોઢામાં જાય…

5) વાડ વિના વેલો ન ચડે…

6) વાડ જ ચિભડાં ગળે (તો…)

7) ઠામ જાય ને ઠીકરું આવે…

8 ) કીડી કોશનો ડામ ખમે?

9) મુઆ સાટે જીવતું લેવું…

10) પેટમાં પાશેર પાણી નહિ ને નામ દરિયાવખાં…

11) ખાવા ખીચડી નહિ ને નામ ફતેહખાં…

12) ધરમની ગાયના દાંત ન જોવાય…

13) છાણિયા દેવને ખાંસડાની પૂજા…

14) આંધળો ઓકે ને દસને રોકે…

15) લૂલીને ઝાલો ત્યારે લૂલી વાસીદું વાળે…

16) માથે મોત ને આવળ શું ચાવવી?

17) છાશ લેવા જવું ને દોણી સંતાડવી…

18) નબળી ગાયને બગાઈઓ ઘણી…

19) ગાંડા થઈને છૂટે ને ગામને ગાળો કૂટે…

20) મોં ખાય ને આંખ લજાય…

21) તમાશાને તેડું ન હોય…

22) ભેંસ, ભામણ (બ્રાહ્મણ) ને ભાજી, ત્રણે પાણીથી રાજી…

23) સુથારનો જીવ બાવળીયે…

24) નબળો ધણી બૈરા પર શૂરો

25) બળિયાના બે ભાગ

મજા આવી ને? વધુ આવતા અંકે…

(અને હા, આપ સૌને આ લીસ્ટમાં વધારો (કે સુધારો પણ) કરવા માટે આગ્રહભર્યું આમંત્રણ છે હોં…)

Advertisements
Published in: on November 17, 2008 at 10:51 am  Comments (11)  

ભાષાને શું વળગે ભૂર… (!!!)

ઘરમાં પ્રસંગ હતો ભાઇના લગ્નનો…. કંકોત્રી લખવા માટે બધાં ભેગા થયા હતાં… કાકા સરનામા લખાવતા હતા અને હું લખતી હતી… સરનામામાં આવતાં નામ અને આંકડાઓને સાંભળી રહેલી મારી ભાણીએ અચાનક મોટા અવાજે પ્રશ્ન કર્યો – “દાદુ, ઓગણપચાસ એટલે? ” …

ઘરમાં બધાં હસ્યા અને પપ્પાએ શાંતિથી જવાબ આપ્યો “ફોર્ટીનાઇન”…

પણ હું અંદરથી ખળભળી ઉઠી…

વાત બહુ નાની હતી પણ ઘણાં સમયથી મને પજવતી હતી… આપણાં અપાર ગૌરવ વચ્ચે English Mediumમાં ભણતાં આપણાં બાળકો કંઇ કેટલીય વાર આવાં disturb કરી દેનારાં પ્રશ્નો પૂછે છે જેને સાંભળીને આપણે સામાન્યત: હસી કાઢતાં હોઇએ છીએ… રામને રામા અને લક્ષ્મણને લક્ષ્મણા કહેતાં બાળકો  પાસેથી “તો પછી સીતાનું પણ સીત નઇ કરવાનું?” એવું લોજિક ના સાંભળવા મળે એ બીકે કદાચ આપણે હવે એમને સુધારવાની પણ તસ્દી નથી લેતાં…

અહીં “આ અંગ્રેજી મિડિયમે તો દાટ વાળ્યો છે – અમે તો અમારાં બાળકોને ગુજરાતી મિડિયમમાં જ મૂક્યા છે” કહીને ખોટો  દંભ દેખાડતાં અને ઘરમાં બાળકને ગલૂડિયાંને પણ ‘ડોગી’ કહેવાનું શીખવતાં દંભી parents ની વાત નથી, વાત છે જમાનાની દોડમાં પોતાના સંતાન ક્યાંક પાછળ ન રહી જાય એ બીકે તેમને English Mediumમાં મૂકતાં અને પછી તેમને પોતાની માતૃભાષાથી દૂર થતાં જોઇને અંદરથી કચવાતાં માં-બાપની…

કોઇપણ ભાષા શીખવી એમાં કંઇ ખોટું નથી… infact મેં પોતે English Literature માં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે પણ વર્ડઝવર્થને વાંચતા કે  શેક્સપીયરને સમજતાં પહેલાં મેં કલાપીને કળ્યા છે, મેઘાણીને માણ્યાં છે…

બાળકનું ભણતર કોઇપણ ભાષામાં થાય, પણ બાળકને માતૃભાષાનો આદર કરતાં શીખવવું એ માં-બાપની ફરજ છે. અધકચરાં અંગ્રેજી અને અણઘડ ગુજરાતી પર હવાયેલું હિન્દી છાંટીને બોલતાં આપણાં બાળકો આપણને ભલે cute (!!) લાગે પણ તેઓ જ જ્યારે “કાકાની વાઇફને કાકી અને મામાની વાઇફને મામી” કહેવાના લોજિકે સાળાની વાઇફની સાળી ગણાવે ત્યારે હાસ્યાસ્પદ તેઓ નહીં આપણે ઠરીએ છીએ… એમને “સાળાવેલી” જેવા મીઠાં ગુજરાતી શબ્દથી વાકેફ કરાવવાની જવાબદારી આપણી છે… પણ કદાચ આપણે ગુજરાતીઓ પોતે જ આપણી ભાષાની એટલી ઇજ્જત નથી કરતાં.

મારું માનવું છે કે ભારતના અન્ય કોઇપણ રાજ્યના – કોઇપણ ભાષાના લોકો આપણાં કરતાં વધુ “કટ્ટરભાષી( ! )” છે…

આપને શું લાગે છે ?????

– લેખિની

Published in: on November 8, 2008 at 1:13 pm  Comments (9)  

New Year Resolution…!!

આપણું તો નવું વર્ષ શરૂ… અને સાથે જ શરૂ પોતાની અને પોતાના સાથેની આપણી રમત !!

વાત છે New Year Resolutions ની…!! આ નવા વર્ષે મેં તો મારા એમને કહી દીધું – નવા વર્ષમાં દરરોજ નિયમિતપણે કેલ્શિયમની દવા લઇશ જ…!! (પણ આ resolution ક્યાં સુધી ટકશે એ મારા કરતાં એ વધારે સારી રીતે એ જાણે છે!!)

આપણાં new year resolutions પણ ક્માલ હોય છે… કેટલાંક બહુ જ કોમન resolutions એટલે – ” હું નવા વર્ષમાં સિગરેટ નહિ પીવું… તમાકુથી તો તોબા કરીશ.. જુઠ્ઠું બોલવાનું તો બિલકુલ બંધ… હવેથી exercises એક્દમ regular હોં… આવતી દીવાળી સુધીમાં slim-trim ના હોઉં તો કેજો… અરે! ગાળો તો કંઇ બોલાતી હશે ? આપણે તો બેસતા વર્ષથી જ છોડી દીધું ને… આ દીવાળી છે એટલે ખાઇ લઉં બાકી નવા વર્ષમાં મિઠાઇ જરા પણ નહિ… કાલે ભાઇ-બીજનું જમવા જવું છે નહિતર કાલથી જ એકટાણાં શરૂ કરત… કાલથી વાહન એકદમ ધીમું અને safe ચલાવીશ, એકદમ પપ્પા જેવું… આ વર્ષે તારો જન્મદિવસ કે આપણી એનીવર્સરી ભૂલું તો તું કે એ મારી સજા બસ? … કાલે સવારથી જ ચાલવા જવાનું શરૂ… આ વર્ષે તો નોકરીએ એકપણ દિવસ મોડા નથી પહોંચવું… આ નવા વર્ષથી દર મહિને થોડા રૂપિયા તો મંદિરમાં મૂકવા જ છે… મહિને એકાદ વાર તો સગાં-વ્હાલાં અને મિત્રોને મળવું જ છે… ”

આ બધાં resolutions નો જુસ્સો થોડા દિવસ ચાલે અને પછી ઓસરવા માંડે… પછી પાછો થોડો relaxation નો phase આવે… “અલ્યા નવું વર્ષ તો 2009 કે’વાય.. અને એ તો છે….ક જાન્યુઆરીથી શરૂ થાય… ડિસેમ્બરમાં તો જલસા કરો ભલા માણસ!!”

(અને જાન્યુઆરીમાં ખબર છે શું થાય ? ” આ ક્યાં આપણું નવું વર્ષ છે ??? આપણું નવું વર્ષ તો દીવાળીમાં… બેસતા વર્ષથી…” 😉

HAPPY NEW YEAR!!!!

Published in: on November 1, 2008 at 7:47 am  Comments (4)