ક્રોધ

ક્યાંક વાંચ્યું હતું,

“જે માણસ ક્રોધની એક ક્ષણ ટાળી શકે, તે પસ્તાવાનો એક આખો દિવસ ટાળી શકે છે…”

બસ… આજે માત્ર આટલું જ કહેવું છે….

Advertisements
Published in: on February 28, 2009 at 1:06 pm  Comments (2)  

શેર અંતાક્ષરી – 2

છેલ્લી શેર અંતાક્ષરીની શૃંખલામાં

“યાદની ચીઠ્ઠી બળી ગઈ

માછલી વીંટી ગળી ગઈ”

પર હું અટકી હતી… આજે ઉર્મિબેને ‘ઈ’ પરથી એક સુંદર શેર લખીને આ ખૂટતી કડી પૂરી કરી એટલે આજે ફરીથી આ શૃંખલા આગળ વધારવાની ઈચ્છા થઈ ગઈ… તો ચાલો ઉર્મિબેને આપેલા શેરથી ફરી શરૂ કરીએ…

*

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું

એ શૂન્યની પિછાણ હતી, કોણ માનશે?

*

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં

ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?

*

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારના

પર્વ ઉજવતા થયાં ગુલમ્હોર એટલે

*

લ્યો સ્મરણના ઊંટ તો હાંફી ગયાં

ને હવે શરૂઆત રણની થાય છે

*

છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે…

*

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યાસી જિંદગી

ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી…

*

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ

કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર….

*

રમતા – રમતા લડી પડે ભૈ માણસ છે

હસતાં-હસતાં રડી પડે ભૈ માણસ છે

*

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે

સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી…

*

ગળેથી જરા ઉતરી કે તોફાની થઈ ગઈ

હતી જામમાં સાવ સાદી મદીરા

*

રહે મારું જીવન જો એક જ દશામાં,  હવેથી ચમનમાં બહારો ન આવે

વિખૂટી પડે ચાંદ-સૂરજની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે…

*

ચાલો હવે ‘વ’ પર અટકી છું…  મદદ કરશો ને??

Published in: on February 21, 2009 at 10:21 am  Comments (4)  

‘સમન્વય’ – રીચાર્જ થવાની મોસમ

ખરેખર તેના આયોજકોએ તેના વિશે સાચું જ કહ્યું છે… સમન્વય ખરેખર રીચાર્જ થવાની મોસમ જ છે…  અમે અમદાવાદીઓ ખરેખર નસીબદાર છીએ કે અમને આ લ્હાવો દર વર્ષે મળે છે!!!

જે લોકો ‘સમન્વય’  વિશે નથી જાણતાં તેઓ માટેઃ ‘સમન્વય’  એ ગુજરાતના અગ્રણી દૈનિક ગુજરાત સમાચાર અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે યોજાતો કાવ્ય-સંગીત સમારોહ છે જે દર વર્ષે વેલેન્ટાઈનની સુહાની મોસમમાં યોજાય છે… સાહિત્યના રસિયાઓને રસતરબોળ કરતાં આ કાર્યક્રમના આયોજકોમાંના એક અંકિત ત્રિવેદી છે જેમના વ્યક્તિત્વથી તો I guess કોઈ સાહિત્યરસિક વ્યકતિ અજાણ નહિ જ હોય…

તા. 13મી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ અમદાવાદના કાશીરામ અગ્રવાલ હૉલ ખાતે શ્રી રાસબિહારી દેસાઈ, શ્રી વિક્રમ પટેલ, શ્રી શ્રેયાંસ શાહ, શ્રી સુરેશ દલાલ, શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, શ્રી ગૌરાંગ વ્યાસ વગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો. આ પ્રસંગે પ્રસિદ્ધ ગાયિકા શ્રી કવિતા કૃષ્ણમૂર્તિએ પણ હાજરી આપી હતી…

પાંચ દિવસ ચાલનારા આ સંગીતોત્સવનો  આજે ચોથો દિવસ છે. આ સમારોહના  પ્રત્યેક દિવસની રસલ્હાણી માણવી હોય તો ક્લિક કરો

http://www.gujaratsamachar.com/gsa/20090216/guj/gujarat/news10.html

Published in: on February 16, 2009 at 12:20 pm  Comments (1)  

શેર અંતાક્ષરી!!!!!

આજે અચાનક જ નેટ સર્ફીંગ કરતાં એક લીંક મળી… “શેર અંતાક્ષરી”ની…

http://sherantaxari.gujaratisahityasarita.org/

ખૂબ જ યુનિક concept લાગ્યો… ચાલો ગુજરાત વિશ્વ સંમેલનમાં સાકાર થયેલો આ વિચાર પોતાનામાં જ કેટલો આગવો અને રોમાંચક છે!! કોઈ તકનીકી પ્રોબ્લેમના કારણે હું આ સાઈટ પર કોઈ કમેન્ટ લખી શકી નહિ પરંતુ આ વિચાર મગજમાં જનમ્યો કે આવું જ કંઈક આપણે પણ કરીએ તો?

કેટલાંક શેર (એક-બીજા સાથે અંતીમ અક્ષરની કડીથી સંકળાયેલા) અહીં રજૂ કરું છું… પણ આ સાંકળને આગળ ધપાવવા આપ સૌને આમંત્રણ છે…

*

 

મૌસમ સરસ-સરસ છે, કોણે કહ્યું સરસ નથી

પણ એનો શું ઈલાજ કે આજે તરસ નથી!!

 *

થઈને ઉદાસ જોયું જો ઉપર અમે મરીઝ

ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે

*

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,

ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.

*

આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાંખુ પણ

એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

*

રૂપ સિતમથી લેશ ન અટકે,

પ્રેમ   ભલેને   માથું   પટકે !

*

કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,

પરિચય મળશે લીલાનો, મને જો ઓળખી લેશો.

*

શાંત જળમાં કાંકરીચાળો ન કર

રૂઝવેલા ઝખ્મને આળો ન કર…

*

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી

હતો મારો જ એ અવસર ને મારી હાજરી ન્હોતી

*

તારા ગયાં પછી ન બન્યું કંઈ કશું નવું

બે અધ-ઉઘડી છીપથી મોતી સરી ગયાં

*

યાદની ચીઠ્ઠી બળી ગઈ

માછલી વીંટી ગળી ગઈ…

 

લ્યો હું તો અટકી ગઈ… “ઈ” ઉપરથી કોઈ શેર મને તો હાલ સૂઝતો નથી… તમે મદદ કરશો?

Published in: on February 13, 2009 at 12:44 pm  Comments (10)  

નિવૃત્તિ…

આજે  અમારી ઑફિસમાંથી જયેન્દ્રકાકા  retire થઈ ગયાં… આમ તો મારે અને જયેન્દ્રકાકાને ઝાઝો પરિચય નહિ, હા. ત્રણેક વર્ષ સાથે કામ કર્યું પણ ડિપાર્ટમેન્ટ જુદા એટલે બહુ પરિચય કેળવાયેલો નહિ… એમના રીટારમેન્ટના માનમાં અમે બધાંએ સ્ટાફ મેમ્બર્સે એક ફેરવેલ પાર્ટી આપી… એક ગીફટ આપી અને ‘હસતાં’ ચહેરે એમને વિદાય આપી…

આમ તો ખાસ વર્ણવવા જેવો પ્રસંગ નહિ, પણ ખબર નહિ કેમ એમને જતાં જોઈને આંખમાં પાણી આવી ગયાં… એમને અમે શું ગીફ્ટ આપી ખબર છે? એક કાંડા ઘડિયાળ…!!!! પણ એમને જતાં જોઈને લાગ્યું કે હવે એમને આ ગીફ્ટનો ખપ ખરો????  સમય સાથે કદમ મિલાવી આખી 30 વર્ષ સુધી નિયમિત સમયસર ઑફિસ આવી જતાં જયેન્દ્રકાકાને હવે આ ઘડિયાળ શું પીડા નહિ આપે?

કાલે સવારે એમનાથી કદાચ સમયસર તૈયાર થઈ જવાશે… સમયસર પોતાનું રૂટિન પતાવીને એ કદાચ જ્યારે ઘરની બહાર નીકળવા જશે ત્યારે એમના ઘરની કોઈ વ્યક્તિ એમને અટકાવશે કે “ઓહો, આજે તો તમારે ઑફિસ નથી જવાનું…” અને ત્યારે કદાચ મન પર એક ઉઝરડો પડી જશે…

ઑફિસમાં રોજની જેમ જ HR મેનેજર મસ્ટરમાં જોઈ વિચારશે કે આજે કાકા મોડા પડ્યા છે… અને પછી એને પણ કોઈ યાદ કરાવશે કે “અરે, હવેથી તો જયેન્દ્રકાકા નથી આવવાના…”.એકાદ-બે દિવસ સહકર્મચારીઓથી પણ એમના ટેબલ પર કામની ફાઈલ્સ મૂકી દેવાશે અને પછી જાતે જ યાદ કરી લેવાશે કે હવે આ કામ બીજા કોઈએ સંભાળી લેવાનું છે…

બસ… બે-ત્રણ દિવસનો કચવાટ… બે-ત્રણ દિવસનો અજંપો… બે-ત્રણ દિવસની વિહવળતા… અને પછી બધું જ રૂટીન…. એમની જગ્યા ભરાઈ જશે… એમની હાજરીની ખોટ વિસરાઈ જશે… એ પોતે પણ ઘરથી નીકળીને કોઈ મંદિર કે કોઈ સંસ્થા કે પછી બાળકોને લઈને બગીચામાં જતાં થઈ જશે… અને થઈ જશે નિવૃત્તિની સહજ સ્વીકૃતિ…

Published in: on February 10, 2009 at 12:00 pm  Comments (3)  

વિસ્તરતો શૂન્યાવકાશ… હવે આસિમ રાંદેરી પણ…

પહેલાં આદિલ અને હવે આસિમ… ગુજરાતી ગઝલ સાહિત્યને પડેલી આ ખોટ કેમ પૂરાશે? આસિમ સાહેબને શ્રદ્ધાંજલી આપવા માટે એમની આ રચનાથી વિશેષ શું હોઈ શકે?

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !

સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,

કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.

આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
 ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

Published in: on February 6, 2009 at 12:53 pm  Comments (2)  
Tags: