જીવન ક્યાં મજાનું છે…??

આમ જુઓ તો જીવન ક્યાં મજાનું છે

શ્વાસ લેવાનું ફકત આ બ્હાનું છે

 

સૌ ભટકે છે અહીં કોઈ દિશા વગર

છે ખબર કોને કે કોઈ ક્યાંનું છે??

 

નામ જે આપો તમે સગપણને પણ

કોઈ કોઈનું કદી થવાનું છે?

 

‘હું’, ‘મને’, ‘મારું’ બધી આ શી મમત?

તારી સાથે કાંઈ પણ જવાનું છે?

 

‘લેખિની’ બસ શબ્દ તારાં રહી જશે

બાકી સઘળું રાખ થઈ જવાનું છે…

Advertisements
Published in: on April 22, 2009 at 3:00 pm  Comments (5)  

ઈશ્વરનો વેપાર…

“મંગળા સો, રાજભોગ બસો, શયનના દોઢસો

આપને ઠાકોરજી બહુ વ્યાજબી ભાવે પડ્યાં…!!”

આ પંક્તિના લેખકનું નામ તો હું જાણતી નથી, પણ જેણે પણ લખ્યું છે તેણે કદાચ ક્યારેક એવું જ કંઈક અનુભવ્યું હશે જેવું મેં હમણાં અનુભવ્યું…

હમણાં હમણાં બે-ત્રણ વખત નાથદ્વારા જવાનું થયું… એમાંય એક દિવસ તો ચૈત્રી પૂનમ, એટલે ભીડની તો કલ્પના જ કરવી રહી… અતિશય ભીડમાં દર્શન કરવા શક્ય બને તેમ લાગતું નહોતું… અને એવામાં જ અમને એક ‘તારણહાર’  મળી ગયાં… આ ‘તારણહાર’  એટલે ઈશ્વરના એજન્ટ…!! નવાઈ લાગી? કદાચ તમારામાંના જે શ્રીનાથજી વારંવાર જતાં હશે તેઓને નહી લાગી હોય…

હા, તો ઈશ્વરના આ એજન્ટ આપણને શ્રીનાથજી સુધી લઈ જાય  – “શોર્ટ-કટથી” યુ સી (of course તગડી રકમ લઈને સ્તો)!! દર્શનાર્થીઓની લાઈનમાં આપણને છેક આગળ લઈ જઈને ઊભા કરી દે. અને આપણે એવાં ફૂલાઈએ કે જોયું, આપણી શ્રીનાથજી આગળ લાગવગ ચલી ગઈ હોં!!!

મારી સાથે જે માસી હતાં તે ખૂબ જ શ્રદ્ધાળુ, એટલે એમને દર્શન કર્યા વગર પાછા જવું પાલવે નહિ… એટલે એ નાછૂટકે પૈસા આપીને દર્શનનો લાભ લે, પણ અંદર તો એમનું પણ મન કચવાય કે આ રીતે ઈશ્વરના દરબારમાં આગળ થઈ જવું કેટલે અંશે સાચું છે…

મારું પણ મન ખૂબ કચવાયું… પણ આપણે માણસની જાત બહુ rational ખરા ને… એટલે તરત જ મેં મારી જાતને એક કિસ્સો યાદ કરાવી દીધો જે મેં શ્રી ભૂપેન્દ્રભાઈની કથામાં સાંભળ્યો’તો… વાત જાણે એમ કે એકવાર એક શેઠ (ઈશ્વરના ભગત) ફૂલની દુકાને ફૂલ લેવા ગયાં ફૂલવાળાને ત્યાં છેલ્લું એક જ કમળ બાકી હતું. શેઠે પૂછ્યું:  “આ કમળની શું કિંમત છે?” ફૂલવાળાએ જવાબ આપ્યો:  “દસ રૂપિયા”. હવે શેઠે ભાવ-તાલ કરવાનો શરૂ કર્યો: “સરખો ભાવ બોલ, મારે ઠાકોરજીને ચડાવાનું છે…”. ફૂલવાળાએ કહ્યું: “સાહેબ, તમે ગમે તે ઉપયોગ કરો, પણ મારો તો આ ધંધો છે… ભાવ તો દસ રૂપિયા જ રહેશે…  “. શેઠે ફરી એકવાર કહ્યું: “અરે, ઘરમના કામમાં ફૂલ આપવા માટે નકારો ભણે છે…પાપ લાગશે પાપી… પાંચ રૂપિયામાં આપી દે…”. શેઠે ખૂ………….બ રકઝક કરી પણ ફૂલવાળો કિંમત ઘટાડવા રાજી ન થયો…

આ રકઝક ચાલતી હતી એવામાં ગામનો એક શોખીન શ્રીમંત માણસ ત્યાં આવી ચડ્યો… તેણે પણ તે જ કમળ માટે ઉમેદવારી નોંધાવી!! ફૂલવાળાએ કીધું “શેઠ દસ રૂપિયાનું છે, તમે આપતા હો તો તમે લઈ જાવ… “. તે શ્રીમંત તરત જ તૈયાર થઈ ગયો. તેણે દસ રૂપિયા કાઢ્યા અને તે ફૂલવાળા સામે ધર્યાં… હવે પેલા ભગત શેઠ અકળાયા… “આ કમળ પહેલા મેં લીધું છે… એ ય ફૂલવાળા, હું પણ તને દસ રૂપિયા આપવા તૈયાર છું, પણ આ કમળ તો મારું જ છે…”. પેલા શ્રીમંત માણસ માટે પણ આ હવે વટનો સવાલ થઈ ગયો… તેણે ફૂલવાળાને કહ્યું: “હું તને આ કમળના વીસ રૂપિયા આપીશ, પણ હવે તો આ કમળ હું જ લઈશ… “. શેઠ અને તે શ્રીમંત માણસ રીતસરની હુંસાતુંસી પર ઊતરી આવ્યા… પેલા શ્રીમંત માણસે છેવટે તે ફૂલવાળાને તે કમળના બસો રૂપિયા આપવાની ઑફર કરી… ભગત શેઠ તો મૂંઝાયા… તેમનાથી હવે ન રહેવાયું… તેમણે પેલા શ્રીમંત માણસને પૂછ્યું: “મારે તો આ કમળ મારા ઠાકોરજી માટે જોઈતું હતું, પણ તમારે શા કામમાં લેવાનું છે કે તમે તેની આટલી મોટી કિંમત આપવા તૈયાર થયાં છો??? ” અને પેલા શ્રીમંત માણસે જે જવાબ આપ્યો તે સાંભળીને શેઠ બે ઘડી આભા જ બની ગયાં… તે માણસે કહ્યું: “મારે આ કમળ એ ગણિકાને આપવું છે જેણે મને આખી રાતનું સુખ આપ્યું… ”

આ ઘટનાને શેઠ ક્યાંય સુધી વાગોળતાં રહ્યાં અને વિચારતાં રહ્યાં કે પેલા શ્રીમંત માણસને ફક્ત એક રાતનું સુખ આપનાર ગણિકા માટે તે કોઈપણ રકમ ખર્ચવા તૈયાર હતો અને જે ઠાકોરજીએ મને આખી જિંદગીનું સુખ આપ્યું તેમના માટે હું ભાવ-તાલ કરતો’તો… ”

બસ, આ કિસ્સો સંભળાવીને મેં તો  મારું પૈસા આપીને દર્શન કરવું rationalise કરી લીધું…

…પણ મારું મન જાણે છે કે આ બધાં ‘Rational – lies’ છે… સત્ય તો એ છે કે

“ઈશ્વરના ધામમાં ભલો વેપાર ચાલે છે

ધોળા ધરમનો કાળો કારોબાર ચાલે છે

છે લેણ-દેણ લાંબી પૂજા – પ્રસાદમાં

‘પરભુ’ના નામે સઘળું બારોબાર ચાલે છે…”

– લેખિની

શેર અંતાક્ષરી આગળ વધારીએ… ?

પીંકીબહેને કીધું wakeup ને અમે જાગી ગયાં… ચાલો તો ફરી એકવાર શેરઅંતાક્ષરી થઈ જાય…

કહે ઝાહીદ નમાજ અંગેનો તારો શું અનુભવ છે,

અમને તો કદી ગુસ્સો ય આવે છે મદીરા પર

*

રાત-દિવસનો રસ્તો વાલમ નહિ તો ખૂટશે કેમ

તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ

*

મારો અભાવ મોરની જેમ ટકૂકશે

ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

*

શું કહો છો વ્હાલ છે કે વ્હેમ છે

એ મને આવી પૂછે છે કેમ છે?

*

છે એનું એ જ રૂપ ને એ જ વાત છે

દુનિયાની જાન માથે હજી લાખ ઘાત છે

*

છો હસે આખું જગત દીવાનગી મારી ઉપર

એ સ્થિતી પણ માન્ય છે જો  હો તને મારી ફીકર

 

તો ચાલો આગળ વધારો હવે… “ર” પર અટકી છું, હવે તમારે મદદ કરવાની છે…

 

મિત્રો કુણાલભાઈએ આ શ્રૃંખલા આગળ ધપાવી છે…

રસ લે નહીં ઓ દોસ્ત કે એમાં મજા નથી,
આ મારી જિંદગી છે હકીકત, કથા નથી.

*

થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમનાં મ્હેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

*

ધબકાર એટલે જ હ્રદયના વધી ગયાં,
આવી વસ્યું છે કોઈ કશું પણ કહ્યાં વગર.

*

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક’દિ તો માનશે, છે આખરે મારું નસીબ.

*

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

*

‘બેતાબ’ પોઢે છે કબરમાં એ રીતે જુઓ,
વર્ષોથી જાણે રાત-દિવસ એ ઊંઘ્યો નથી.

*

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં

તો ચાલો હવે “ત” થી શરૂ કરીએ…

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી

આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…

એ હા… આ “ણ” નું શું કરીશું હવે?????

Published in: on April 3, 2009 at 1:35 pm  Comments (10)