વેકેશન…

ઘણાં સમયથી જીવનને ઘેરી વળેલી (સ્વ-સર્જિત) વ્યસ્તતાની વચ્ચે હમણાં અચાનક જ એક નાનકડું વેકેશન મળી ગયું… (સંજોગોવશાત્) એક અઠવાડિયું જીવનમાં એવો  રિક્ત સમય મળ્યો જેનો મરજી મુજબ ઊપયોગ કરવાની મને પૂરે-પૂરી છૂટ હતી… આ સમયાવધિ શરૂ થવાનાં કેટલાંય દિવસ પહેલાંથી મનમાં અસંખ્ય વિચારો – અનેક યોજનાઓ આકાર લઈ ચૂક્યાં હતાં… આ કરીશ, તે કરીશ, અહીં જઈ આવશું… ક્યાંક ફરી આવશું… આ કામ તો પતાવ્યે જ છૂટકો… અને બીજું ઘણું બધું…

…પણ આજે જ્યારે હું એ નાનકડા (અને નિષ્ક્રીય…!!) વેકેશનના અંતિમ દિવસે આ લખી રહી છું ત્યારે કહી શકું છું કે કોઈએ  ખરેખર સાચું કહ્યું છે…

“જ્યાં પ્હોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને…! “

ખરું કહું તો મેં પણ લોકોને એવું કેટલીયે વાર કહ્યું છે કે “તમારા જેવા અમારા નસીબ ક્યાંથી… અમારા નસીબમાં આરામ ક્યાં?… પોતાની સાથે કે પોતાનાઓ સાથે સમય ગાળવાનું સૌભાગ્ય અમને ક્યાંથી…” વગેરે…  પણ માણસને જો પોતે સર્જેલી આ દોડ-ધામમાંથી સમય મળી પણ જાય તો તેની પાસે પોતાના માટે કરવા જેવું કશું જ હોતું નથી… પોતાની સાથે કે પોતાનાઓ સાથે સમય ગાળવો  ભલે ઝંખનાઓની યાદીમાં અગ્રતાક્મ ધરાવતું હોય પણ હકીકતમાં એ સમય ગાળવાનું તેને આકરું પડી જાય છે… સવારે ઑફિસ જવાની ઉતાવળમાં એકાદ ઘડી આયના પર નાંખેલી નજર જો લાંબા સમય માટે જાત પર કેન્દ્રિત કરવા મળે તો માણસ વ્યથિત થઈ જાય છે… perhaps a human being cant stand his own self…

આપણે જાતે create કરેલી વ્યસ્તતાનું આપણને વ્યસન થઈ ગયું છે… રિક્તતા આપણને ગમગીનીથી ભરી દે છે…  મનના કેટલાંક ખૂણાઓ  પર ઝામેલી ધૂળ ખંખેરવાં જતાં એવી ઉધરસ ચડે છે કે…. ડામરની ગોળીઓ સાથે સ્મૃતિના પટારામાં મૂકેલી છબીઓ કાઢતાં હાથ ધ્રુજે છે… રણકતાં ફોન અને ગરજતાં લોકોથી ટેવાયેલાં કાનમાં જાણે નિરવ શાંતિ બહેરાશ લાવી જાય છે… ‘ગૂડ’ મોર્નિંગથી ‘ગૂડ’ નાઈટ સુધીની મજલ કાપતાં કાપતાં કેટલીય ‘બેડ’ ક્ષણો મનને ઝંઝોળી નાખે છે… અને અંતરથી ચીસ ઊઠે છે કે ક્યાં છે મારી વ્યસ્તતા? મને આ રિક્તતા ન ખપે…

Advertisements
Published in: on June 4, 2009 at 12:08 pm  Comments (2)