વર્ષાગીતો અને આપણું મન…

જીવનનું આ 30મું ચોમાસું છે… આમાંથી કેટલાંય ચોમાસા સમજણ વગર, કેટલાં સમય વગર અને કેટલાં સહજતા વગર સરી ગયાં તેનો હિસાબ કરવા બેસવું એ વિચાર માત્ર પીડાદાયક છે…

હા, કેટલાંક ચોમાસા, જે મન ભરીને માણ્યા’તા, એનો ભેજ હજુ મનમાં સંઘરાયેલો છે. પણ આજે પહેલો વરસાદ કદાચ એટલો રોમાંચ નથી આપતો… પહેલાં જ્યારે “સાવ અચાનક મૂશળધારે, ધોધમાર કે નવલખ ધારે, આ વાદળ વરસે છે કે તું? ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું, મને તું વાદળ કે તો શું?” ગમતું’તું ત્યારે   “હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહિ” ન્હોતું સમજાતું… એક જ કેસેટમાં વાગતાં આ બે ગીતો જીવનમાં સમયાંતરે પોતીકાં લાગે… કેવું કહેવાય નહિ??

ધરતી પર પહેલાં-પહેલાં ફોરાં પડે એટલે મનમાં વર્ષાગીતોની હેલી ચડે… પણ આજે સમજાય છે કે એ વર્ષાગીતો સમયની સાથે બદલાય છે… એ જ ચોમાસું અને એ જ આપણું મન, પણ જુદા-જુદા સમયે જુદા જુદા વર્ષાગીતો પોતીકાં લાગે છે….

પહેલાં પ્રેમના ઉન્માદમાં જ્યારે “મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે” કે પછી “ચાલ વરસાદની મોસમ છે વરસતાં જઈએ” ગણગણતાં’તા ત્યારે આજે એવું લાગે છે કે “એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યાં ઓરડાં કોરાં ન થયાં, આજ વરસાદ નથી એમ ન કહીએ ‘રમેશ’, એમ કહીએ કે “હશે, આપણે ભીના ન થયાં….”

બદલાતી પરિસ્થિતિઓ અને બદલાતી લાગણીઓ વચ્ચે બદલાતી જતી પંક્તિઓ કદાચ એ વાતની સાક્ષી પૂરે છે કે બદલાઈ રહ્યાં છે સંબંધો પણ, બદલાઈ રહ્યાં છે સ્વજનો પણ…. ક્યારેક જેને કહ્યું હોય કે “ભીંજીએ ભીંજાઈએ, વ્હાલમાં વરસાદમાં, ચાલને ચાલ્યાં જઈએ હાથ લઈને હાથમાં” તેને જ આજે કહેવાઈ જાય છે “શ્રાવણી વરસાદની હેલી ચડી… આપણે સાથે હતાં, બસ એટલું….”

મોટીવેશનલ પુસ્તકો કહે છે કે સમય સાથે બદલાવું કે ન બદલાવું તે માણસના પોતાના હાથમાં છે, પણ એમને કોણ સમજાવે કે જ્યારે મેઘઘનુષના રંગો બદલાઈ જાય, ફોરાંની ઝરમરનો અવાજ બદલાઈ જાય, વરસાદ પછીના ઉઘાડનો અહેસાસ બદલાઈ જાય, ત્યારે બિચારું મન શું કરે……??????

Advertisements
Published in: on June 7, 2010 at 1:07 pm  Comments (1)